પગની પાની અને એડીનો દુઃખાવો– પ્લાન્ટર ફેસાઈટીસ
પગની એડીમાં થતાં દુઃખવાને પ્લાન્ટર ફેસાઈટીસ કહે છે.
એડીનો દુઃખાવો થવાનું કારણ :
પગની એડીની અંદર આવેલ પડનો સોજો છે. દરેક વ્યક્તિમાં પગની પાનીની અંદર રહેલ હાડકાઓ અને હાડકાઓ દ્વારા બનતી કમાનને આધાર આપવાનું કામ પ્લાન્ટર ફેસીયા નામનું જાડું પડ કરે છે. પગની ઉપર વારંવાર આવતા દબાણ અને ખેંચાણને કારણે આ પાનીની અંદરના પડને નુકસાન થાય છે. આ પડ પર વારંવાર થતી ઈજા છેવટે સોજો કરે છે અને કાયમી દુઃખાવો શરૂ થઈ જાય છે. ક્યારેક એડીના છેલ્લા હાડકાનો થોડો ભાગ વધતો (હાડકી વધતી) હોય તો પણ એને કારણે પાનીના પડને ઈજા પહોંચે છે.
એડીનો દુઃખાવો કોને થાય છે? :
- કડક તળીયા વાળા બુટ/ ચંપલ પહેરનારા.
- લાંબો સમય કઠણ સપાટી પર ઊભા રહીને કામ કરનારાઓ.
- લાંબો સમય દોડનારાઓ.
- વધુ વજન ધરાવનારાઓ.
- જેમના પગના તળીયા સપાટ હોય કે વધુ પડતાં ઊંડા હોય.
પ્લાન્ટર ફેસાઈટીસના લક્ષણો :
- એડીના તળીયામાં પાછલા છેડાથી બે-ત્રણ સે.મી. આગળ અને પાનીના અંદર તરફના અડધા ભાગમાં દુઃખાવો થાય છે.
- વહેલી સવારે ઉંઘમાંથી ઉઠ્યા પછી તરત અથવા લાંબો સમય આરામ કર્યા બાદ ચાલવાનું શરૂ કરવાથી શરૂઆતના થોડા પગલાં માંડતા ખૂબ જ દુઃખાવો થાય છે, થોડાં ડગલાં ચાલ્યાં પછી દુઃખાવો ઓછો થઈ જાય છે.
એડીના દુઃખાવાનું નિદાન દર્દીનાં લક્ષણો અને સાદી દાક્તરી તપાસથી થઈ શકે છે. ક્યારેક એક્સ-રે મદદરૂપ થઈ શકે છે.
એડીના દુઃખાવાની સારવાર
- એડીનો દુઃખાવો શરૂ થયા પછી જેટલી જલ્દી સારવાર શરૂ કરવામાં આવે એટલી જલ્દી મટી જાય છે.
- પોચા, ચંપલ પહેરવા, શૂઝની અંદર, હીલ પેડ વાપરવાં.
- ગરમ અને ઠંડા પાણીનો શેક, મીણનો શેક.
- દર્દનાશક દવાઓ.
- ઓપરેશન.
- પગની પાનીમાં ઈંજેકશન આપવાથી તાત્કાલિક રાહત મળે છે.
એડીનો દુઃખાવો ન થાય એ માટે શું કરવું?
- કઠણ સપાટી ઉપર ખુલ્લા પગે ચાલવાનું ટાળો.
- પોચા ચંપલ પહેરવા.
- એક્યુપ્રેશરનાં ચંપલ પહેરવાનું ટાળો.
- ઘરમાં પણ પોચા સ્લીપર પહેરવાનું રાખો.
- વજન વધે નહીં એની કાળજી રાખો.