કમરનાં દુખાવા વિશે આટલું જાણો.
પીઠનો દુખાવો સો માંથી એંસી જણાને તેમની જિંદગીના કોઈને કોઈ તબક્કામાં થાય છે. મોટા ભાગના દર્દીને અચાનક શરૂ થયેલ પીઠનો દુખાવો દવા અને આરામથી થોડાક દિવસમાં મટી જાય છે તો કેટલાકને વારંવાર દુખાવો થયા કરે છે અને અમુક લોકોને કાયમી દુખાવો રહે છે. સામાન્ય રીતે પીઠના દુખાવાનો પહેલો અનુભવ વીસથી ચાલીસ વર્ષની ઉંમરે થાય છે.
કમરનો દુખાવો થવાના કારણો :
પીઠમાં રહેલ કરોડસ્તંભમાં 33 મણકા ૧૩૯ સાંધાઓ અને અનેક સ્નાયુઓ આવેલ હોય છે અને કમરનો દુખાવો આમાંથી કોઈપણ રચનામાં ઈજા થવાથી થઈ શકે છે. કમરના મણકાનું મુખ્ય કામ શરીરનું વજન ઉઠાવવાનું છે, બે મણકા વચ્ચે ગાદી આવેલી હોય છે જે સ્પ્રીંગ જેવુ કામ કરે છે અને ઝટકા ખમી લે છે. બે મણકા વચ્ચે ગાદી ન હોય તો દરેક પગલે જમીન પર પગ પડવાથી લાગતો ઝટકો આખા શરીરને અને માથાને ધ્રુજાવી નાંખે!! વળી, કરોડસ્તંભમાંથી પસાર થતી કરોડરજ્જુ અને એની ચેતાઓને સલામત રાખવામાં ગાદી ઉપયોગી છે. યુવાનીમાં ગાદી વધુ સ્થિતિસ્થાપક હોય છે અને ઉંમરની સાથે એની સ્થિતિસ્થાપકતા અને કાર્યક્ષમતા ઘટતી જાય છે અને પરિણામે ગાદી વધુ દબાવાથી એનો થોડો ભાગ કરોડસ્તંભની બહાર તરફ નીકળી આવે છે જે ડીસ્ક હર્નિએશન તરીકે ઓળખાય છે. કરોડસ્તંભની બધી ગાદીઓ પૈકી કમરના મણકા વચ્ચે આવેલી ગાદીઑ સૌથી વધુ મજબૂત હોય છે અને આશરે એક હજાર કીલોગ્રામ જેટલું સીધું દબાણ સહન કરી શકે છે.
કમરનો દુખાવો કરતાં પરિબળો :
- કઠોર શારીરિક પરિશ્રમ.
- વજન ઊંચકીને હેરફેર કરવું.
- વારંવાર વળવાનું અને સીધા થવાનું.
- વધુ પડતી મુસાફરી કરવી.
- ખરાબ રસ્તાઓ પર વધુ ઝડપે વાહન ચલાવવું.
- બિનઆરામદાયક સ્થિતિમાં બેસી રહેવું.
- ટાઈપિંગ કે કોમ્પ્યુટર ઓપરેટ કરનારાઓમાં આ બીમારી જોવા મળે છે.
- ઊંચી એંડીનાં સેન્ડલ પહેરવાથી.
- માનસિક તાણ, ડિપ્રેશન વગેરેને કારણે પણ પીઠનો દુખાવો શરૂ થઈ શકે છે.
- હાડકાંમાં કેલ્શિયમ ઓછું થવાથી મણકા નબળા પડવા.
- મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હાડકાંમાં કેલ્શિયમની ખામી.