ખંભાનો સાંધો જકડાઈ જવાની બીમારી એટલે ફ્રોઝન શોલ્ડર.
ફ્રોઝન શોલ્ડરના લક્ષણો :
- હાથ માથાની ઉપર સુધી લઈ જવામાં તકલીફ થાય.
- હાથ કમરની પાછળ લઈ જવામાં તકલીફ અનુભવાય. (સાડીનો છેડો ખોસવામાં તકલીફ થાય.)
- શર્ટ પહેરવામાં તકલીફ અનુભવાય.
સાંધો જકડાય જવાની તકલીફ (ફ્રોઝન શોલ્ડર) કોને વધારે થાય? :
- ૪૦ વર્ષથી મોટી ઉંમર.
- પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
- ડાયાબીટીસ (100 માંથી 20-30 દર્દીને થાય છે.)
- થાઈરૉઈડની બીમારી હોય.
- ખભાનું ઓપરેશન કે ખભાની ઈજાના કારણે પણ થઈ શકે છે.
- ગરદનના મણકાની તકલીફ હોય.
સાંધા જકડાઈ જવાનું કારણ :
- સાંધાના સોજાને કારણે સાંધાનું ઉપરનું આવરણ (CAPSULE) જાડું થઈ જાય છે અને હાડકા જોડે ચોંટી જાય છે જેને કારણે સાંધાના હલન ચલનમાં તકલીફ અને દુઃખાવો થાય છે.
સાંધો જકડાવવાની પ્રક્રિયા :
- સાંધો જકડાવવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય છે.
પહેલા તબક્કામાં સાંધામાં દુઃખાવો થાય છે. (હલન ચલનથી અને રાતના સમયે વધે) જે બેથી નવ મહિના સુધી ચાલુ રહે છે. બીજા તબક્કામાં હલન ચલનમાં તકલીફ થાય છે. જેમાં બીજા હાથની સરખામણીએ તકલીફવાળો હાથ ખભા પાસેથી માત્ર 50% જેટલું જ હલન ચલન કરી શકે છે અને ધીમે ધીમે દુઃખાવો થાય છે. આ તબક્કો બે થી ત્રણ મહિના સુધી રહે છે. છેલ્લા તબક્કામાં ધીમે ધીમે 12 થી 42 મહિનામાં દુઃખાવામાં ઘટાડો થતો જાય છે.
ફ્રોઝન શોલ્ડરનું નિદાન :
- સામાન્ય રીતે તબીબી તપાસથી થઈ જાય છે, ક્યારેક એક્સ-રે, સોનોગ્રાફી કે M.R.I. કરાવવાની જરૂર પડે છે.
ફ્રોઝન શોલ્ડરની સારવાર :
- દર્દશામક દવાઓથી થોડાં સમય માટે રાહત મળી શકે છે.
- જો દવાઓથી દુઃખાવો બંધ ન થાય તો સાંધામાં ઈન્જેકશન આપવામાં આવે છે.
- ખભાની કસરત – સાંધા જકડાઈ જવાની તકલીફોના નિવારણ માટે કસરત ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
- ગરમ-ઠંડા પાણીનો શેક.
- જો દવાઓ અને કસરત કરવા છતાં કોઈ સુધારો ન થાય તો ઓપરેશનની જરૂરિયાત પડે છે. આવા પ્રકારના ઓપરેશન દૂરબીનથી પણ કરવામાં આવે છે.